You are here: Home > Poetry > Poems, Songs & Gazals > Mahol MushayaraNo
લેખક : રઈશ મનીઆર (ડો)
Author : Raeesh Maniar (Dr)
157.00
175.00 10% off
ઉર્દુ અદબનો ગુજરાતી મિજાજ એટલે માહોલ મુશાયરાનો. વર્તમાન સમયનો ગુજરાતી સાહિત્યરસિક કૂપમંડૂક નથી. એ તો સમય અને સ્થળની સરહદોને પાર જઈ સાહિત્યના વિવિધ રસનો આસ્વાદ કરવા માંગે છે. તેથી જ વિશ્વભરની ભાષાઓનું શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં અસરકારક રીતે ઝીલાતું આવ્યું છે. ઉર્દુ ગુજરાતીની મસિયાઈ બહેન છે. ઉર્દુનો પ્રચલિત કાવ્ય પ્રકાર ગઝલ ગુજરાતી ભાષામાં પણ એટલો જ લોકપ્રિય છે, બલકે ઉર્દુ પછી જો કોઈ બીજી ભાષામાં ગઝલ સૌથી વધુ લખાતી હોય તો એવી ભાષાઓમાં ગુજરાતી મોખરે આવે છે. ત્યારે એક પરંપરાના અભ્યાસ તરીકે પણ, પ્રત્યેક ગુજરાતી શાયર અને પ્રત્યેક ભાવક ઉર્દુ ગઝલ પરંપરાનું આચમન કરવા માંગે છે. શેરિયત, અંદાઝેબયાં, ઈશ્કેમિજાઝી, તગઝ્ઝુલ જેવા શબ્દો વ્યાખ્યાથી નહીં, શાયરીનો રસ ચાખ્યાથી સમજાય છે. તેથી આવા સમયે ઉર્દુ મુશાયરાનો માહોલ, એના મૂળ મોભાને હાનિ પહોંચાડ્યા વગર ગરવી ગુજરાતીમાં ગૂંજે એ જરૂરી હતું. આ ભગીરથ કામ આ પુસ્તકના બે પૂંઠા વચ્ચે છે. ઉર્દુ ગઝલના ત્રણસોથી વધુ વરસના વારસામાંથી અલગ અલગ રૂપ, રંગ અને સુગંધના પુષ્પો પોતાની ફૂલદાનીમાં લઈને આવવાનો પુરુષાર્થ રઈશ મનીઆરે અહીં કર્યો છે. એમની અભ્યાસનિષ્ઠા, સરળ અને પ્રવાહી ભાષાશૈલી અને સહૃદય જીવનદૃષ્ટિના ત્રિવેણી સંગમથી આ સંપાદન શોભે છે. મીર તકી મીર અને સૌદા જેવા 300 વરસ જૂના શાયરોથી શરૂ કરી જાવેદ અખ્તર કે રાજેશ રેડ્ડી સુધીના આજના શાયરો સુધી વિસ્તરતી આ વહાલની વડવાઈઓ પર ઝૂલવાનું રસિકોને ગમશે. અહીં ઈતિહાસ અને એહસાસ એક બિંદુ પર ઓગળી જાય છે. આ ભાવભીની રજૂઆત તમારા ભીતરને ભીંજવી એવી માતબર છે. અહીં જીવનપાથેય તરીકે કામ લાગે એવા વિચાર-મોતી છે, તો હૈયાની દાબડીમાં પ્રકાશ ફેલાવે એવાં રત્નો પણ છે. ઓશીકાંની અડોઅડ રાખી શકાય એવા શેરોશાયરીના બગીચામાંથી કશું હૃદયસ્થ થઈ જાય અને એને સભામાં રજૂ કરો તો સૌરભ ફેલાવે, એવાં આ પુષ્પો છે. ઉર્દુ અદબનો આ ગુજરાતી મિજાજ તમને એક જૂદાં જ ભાવવિશ્વમાં લઈ જશે.
In Gujarat on orders over 299/-