You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Social Stories and Love Stories > Roop Roop Ambar
ગુજરાતી સાહિત્યજગતમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: સૌરભ શાહ
મધુ રાયની તાજામાં તાજી વાર્તાઓના સંગ્રહ ‘રૂપ રૂપ અંબાર’નું પ્રકાશન ગુજરાતી ભાષાના સરસ્વતીપૂજક વાચકો માટે એક તહેવાર છે.
‘રૂપ રૂપ અંબાર’ની વાર્તાઓની મજા શું છે કે મધુ રાયે અત્યાર સુધી લખાતી આવતી ગુજરાતી વાર્તાનાં તમામ પાસાંને, એકેએક ફોર્મને, ડિસ્મેન્ટલ કરી નાખ્યાં છે. પછી આ માટીમાં મુઠ્ઠીઓ ભરીને પોતાના મૌલિક મસાલાઓ ઉમેર્યા છે. પછી આ બધાને નવેસરથી ગુંદીને ચાકડા પર ચડાવીને આશ્ચર્યચકિત કરે એવા એવા ઘાટ ઘડીને નિંભાડામાં પકવ્યા છે. પરિણામ સ્વરૂપે 82 વર્ષના આ ખતરનાક સર્જક તરફથી 2025માં પણ તમને ટ્રેન્ડ સેટિંગ વાર્તાઓનો ઢગલો મળે છે, ક્યારેક હરિદાસ બની ગયેલો હરિયો પણ મળે છે, ક્યારેક ફરીથી જન્મેલો કેશવ ઠાકર પણ મળી જાય છે.
મધુ રાયનો આ લેટેસ્ટ વાર્તાસંગ્રહ ગુજરાતી પબ્લિશિંગની દુનિયામાં નવી આબોહવા લાવનારી પ્રકાશનસંસ્થા ‘ઝેન ઓપસ’ દ્વારા પ્રગટ થાય છે તે સોનામાં સુગંધ ભળે એવી વાત છે, અથવા તો કહો કે ઝવેરી બજારમાં અત્તરનું ટેન્કર ઢોળાય એવી આ ઘટના છે.
—સૌરભ શાહ
****
આપણી ભાષાના લોકપ્રિય સર્જક મધુ રાય. અમેરિકાની આબોહવામાં શ્વાસ લેતાં લેતાં નજર કરે છે વિશ્વના ખૂણે ખૂણે સતત બદલાતા જતા માનવજીવન પર અનુભવે છે સાંપ્રત સંવેદનોને અને પરખે છે નવું રૂપ ધરતા સંબંધોનાં સમીકરણોને. તેમને આકર્ષે છે અનેક દેશી-વિદેશી પાત્રો, તેમની સાથે બનતી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ અને સતત બદલાતા જતા સમયને કારણે માનવીય વર્તણૂકમાં આવતાં પરિવર્તનો અને પોતાનાં આ નિરીક્ષણો અને અનુભવોને અભિવ્યક્ત કરે છે અવનવી વાર્તાઓમાં. આવી જ 24 નવીનક્કોર વાર્તાઓનું સરનામું બને છે મધુ રાયનો તાજો વાર્તાસંગ્રહ ‘રૂપ રૂપ અંબાર’.
અમેરિકન ગુજરાતીઓની અપભ્રંશ બોલીનો આબેહૂબ ચિતાર આપતી તેમની લેખનશૈલી વાચકને દરેક વાર્તાના સ્થળ અને કાળ સાથે જોડે છે. ગાંધીનગરમાં વસતા અંગ્રેજીમાં ફાંફાંવાળા હરિભાઈનો પોતાના કૅનેડિયન પૌત્ર સાથે થતો ભાષાવિગ્રહ જનરેશન ગૅપનું રમૂજી ચિત્ર રજૂ કરે છે. લગ્નવિચ્છેદના આરે ઊભેલી જેનિફરને દક્ષિણ અમેરિકાના ટાપુ પર મળે છે નવો પ્રેમી, પરંતુ તેની સાથે થાય છે આઘાતજનક અનુભવ. કોલેજની એક વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મની તપાસ કરતા આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ પર્કાશને ઘટનાના મૂળમાંથી જડી આવે છે કોઈ નવો જ ચહેરો. તો ક્યાંક લેખક સ્વયં પાત્ર બની પોતાના જીવનનો રિયાલિટી શો વાર્તારૂપે રજૂ કરે છે. નવી જ શૈલીમાં કહેવાયેલી દરેક વાર્તા. વાર્તાઓના સંવાદોની સાવ વાસ્તવિક ભાષા. પહેલાં ક્યારેય ન વણાયેલું હોય એવું વિષયવૈવિધ્ય. અને પીઝા-બીઝા, વકીલ-ફકીલ જેવા સમાસોવાળા અવનવા શબ્દપ્રયોગો વાચકને તાજ્જુબ પમાડે તો નવાઈ નહીં!
In Gujarat on orders over 299/-